એરપોર્ટ પર 2 મહિનાના બાળકનો શ્વાસ થંભી રહ્યો હતો, મહિલા અધિકારીએ કાઉન્ટર પરથી કૂદીને માસુમનો જીવ બચાવ્યો
નેવાર્ક: અમેરિકાનાં એરપોર્ટ પર એક મહિલા અધિકારીની સમજણથી 2 મહિનાના બાળકનો જીવ બચી ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અમેરિકાનાં લોકો તેમને સુપરવુમન કહી રહ્યા છે. આ વીડિયો અમેરિકાના નેવાર્ક શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટનો છે. અહીં એક મહિલા 2 મહિનાના બાળકને લઈને ચેક-ઈન કાઉન્ટર પર ઉભી હતી. અચાનક બાળકનો શ્વાસ અટકી રહ્યો હતો. આ ઘટનાથી મહિલા ડરી ગઈ હતી અને બાળકની પીઠ દબાવવા લાગી હતી.
આ જોઈને નજીકના કાઉન્ટર પર સામાનની તપાસ કરી રહેલી એક મહિલા અધિકારી સોસિલિયા મોરાલસે તરત જ તેણે ચેક-ઇન કાઉન્ટર પરથી કૂદીને બાળકની પીઠ દબાવીને માસુમનો જીવ બચાવ્યો હતો.
તેણે તેની તાલીમમાં શીખેલી હેમલિચ ટેકનિકનો ઉપયોગ કર્યો અને બાળકનાં શ્વાસ પાછો મેળવ્યો હતો. ટેકનીકમાં બાળકને ઊંધુ રાખીને પીઠ પર દબાવવામાં આવે છે. એ જ રીતે સીધા સૂઈડાવીને છાતીને બે આંગળીઓથી દબાવવામાં આવે છે. આના કારણે રૂંધાઈ રહેલાં શ્વાસ યોગ્ય થતાં શ્વસન પ્રક્રિયા કાર્યરત થાય છે.
તાલીમમાં જે શીખવા મળ્યું તે કામ લાગ્યું
આ અંગે TSA ઓફિસર સેસિલિયા મોરાલેસે જણાવ્યું હતું કે, “મેં પ્રથમ વખત બાળકનો જીવ બચાવ્યો હતો. મેં મારી તાલીમમાં જે શીખ્યું તે કામ લાગ્યું અને સફળ થયું. તે જોઈને મારા મનમાં ખુશી છવાઈ છે.
બે મહિના પહેલા જ ચેકીંગ પોઈન્ટ પર ડ્યુટી લાગી હતી
યુએસ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશને ગુરુવારે આ વીડિયો જાહેર કર્યો હતો. વિભાગના જણાવ્યા અનુસાર, “સોસિલિયાને ચેકિંગ પોઈન્ટ પર ડ્યુટીને માત્ર બે મહિના થયા છે, તેણીએ લાંબી તાલીમ લીધી છે અને લગભગ દસ વર્ષનો કામનો અનુભવ ધરાવે છે. જેણે ક્રિસમસ પહેલા બાળકનો જીવ બચાવ્યો છે, તે મહિલા અધિકારીને લોકો સાચી હીરો કહી રહ્યા છે.
મોરાલસે પરિવારની ખુશીઓને જાળવી રાખી
TSA સિક્યોરિટી ડિરેક્ટર થોમસ કાર્ટરના જણાવ્યા અનુસાર, “ઓફિસર મોરાલસે બાળકનો જીવ બચાવવા માટે તાત્કાલિક પગલાં લીધાં. તેમના પગલાંથી પરિવારની ખુશી જળવાઈ રહી તે સુનિશ્ચિત થયું છે. તે ખરેખર પ્રેરણાદાયક રહ્યુ હતું.