અલ્પેશ ઠાકોરે કિશન ભરવાડની દીકરીને ખોળામાં લઈને રમાડી, કરી આટલા રોકડ રૂપિયાની મદદ

ધંધૂકાના કિશન ભરવાડની હત્યાના પડઘા આખા ગુજરાતમાં પડી રહ્યા છે. ઠેર-ઠેર રેલી કાઢી હત્યારો સામે કડકમાં કડક પગલાની માંગણી કરવામાં આવી રહી છે. બીજી તરફ ધંધૂકામાં કિશન ભરવાડના ઘરે પરિવારને સાંત્વના આપવા અનેક ધાર્મિક, રાજકીય અને સામાજિક અગ્રણીઓ આવી રહ્યા છે. દરમિયાન સોમવારે સ્વ. કિશન ભરવાડના ઘરે ભાજપ નેતા અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પહોંચ્યા હતા. તેમણે પરિવારને સધિયારો આપવાની સાથે સ્વ. કિશન ભરવાડી દીકરીને મોટી આર્થિક મદદ કરી હતી.

ભાજપ નેતા અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે સ્વ. કિશન ભરવાડની છબી પાસે ફૂલો ચડાવી શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં કિશન ભરવાડના પિતા શિવાભાઈ ભરવાડને સધિયારો આપ્યો હતો. એટલુ જ નહીં અલ્પેશ ઠાકોરે સ્વ. કિશન ભરવાડની 20 દિવસની દીકરીને ખોળામાં લઈને રમાડી હતી. આ તકે એક લાખ રૂપિયાની રકમનું એક કવર કિશન ભરવાડના પિતાના હાથમાં સુપ્રત કર્યું હતું. અલ્પેશ ઠાકરોના આ માનવતાવાદી પગલાંના સોશ્યલ મીડિયા પર લોકો ખૂબ વખાણ થઈ રહ્યા છે.

કિશન ભરવાડના પરિવારજનોને મળ્યા બાદ અલ્પેશ ઠાકોરે મીડિયાને સંબંધોન કર્યું હતું. તેમણે કહ્યું, હું આ બનાવને સખતમાં સખત શબ્દોમાં હું વખોડું છું. આ જે કઈ બનાવ બન્યો છે તેમાં પરિવારનો હસતો ખેલતો યુવાન જેની 20 દિવસની દીકરી છે. તેને તે રડતી મૂકીને ગયો છે.

તેમણે કહ્યું કે એક યુવાન કે જેને બજાર વચ્ચે ગોળીથી વીંધવામાં આવ્યો છે. તો તેના પરિવારના સભ્યોની પડખે ઉભા રહેવું તે અમારી જવાબદારી છે. આ અમારો દીકરો હતો. અમારા દીકરાને આવી રીતે કોઈએ વીંધી દીધો હોય તો તેના માટે અમે અવાજ ન ઉઠાવી શકીએ અથવા તો તેની પડખે ન ઉભા રહીએ તો અમે નમાલા કહેવાય. આ જે બનાવ બન્યો છે તે ગુજરાતની શાંતિને હણવાનો બનાવ છે.

અલ્પેશ ઠાકોરે વધુમાં ક્યું, ગુજરાતની શાંતિ અને સલામતીએ ભાઈચારામાં છે. તેને હણવાનો પ્રયાસ થયો છે. એટલે હું આ બનાવને સખતમાં સખત ભાષામાં વખોડું છું. આશા રાખું છું કે આવા બનાવ બને નહીં તેના માટે ગૃહ વિભાગ સતર્ક રહે. આવી રીતે મંડળી બનીને જે કામ કરતા હોય તેમને સજા થાય બજાર વચ્ચે તેમને કોરડે વીંધવા જોઈએ.

ધંધૂકાની મુલાકાત પહેલાં અલ્પેશ ઠાકોરે રાધનપુરના શેરગઢ ગામમાં યુવતી પર થયેલા હુમલાને લઈ મહેસાણાની હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત યુવતીની મુલાકાત લઈ જણાવ્યું હતું કે ‘દીકરીઓ માટે મને નમાલી રાજનીતિ નથી આવડતી. દીકરીઓ માટે તલવાર પણ ઉપાડવી પડે તો હું તૈયાર છું.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે બનાવ બન્યો એને હું વખોડું છું. એક દીકરી પર હુમલો કરવામાં આવ્યો, તેને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે, દીકરીને ધાકધમકીઓ પણ મળતી હતી કે ઉઠાવી જઈશુ.. આ પ્રકારની ઘટનાઓ રોકવી પડશે. આવાં જે કોઈ અસામાજિક તત્ત્વો છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે દીકરીઓ માટે જો તલવાર ઉપાડવી પડે તો એ ઉપાડવા પણ હું તૈયાર છું. અસામાજિક તત્ત્વો સુધારવા માટે જેની જે ભાષા હોય એ ભાષામાં હું જવાબ આપવા પણ તૈયાર છું.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે અસામાજિક તત્ત્વો બિનધાસ્ત ફરી રહ્યા છે, તેમને સરેઆમ ચોક પર વીંધવા જોઈએ. આવાં તત્ત્વોના સરઘસ કાઢવા જોઈએ. તો જ આવાં અસામાજિક તત્ત્વો ડરશે અને આવા બનાવો અટકશે. બેન- દીકરીઓ માટે મને આવી નમાલી રાજનીતિ નથી આવડતી. રાજનેતાઓને આવાં અસામાજિક તત્ત્વોને જવાબ આપવા વિનંતી કરૂ છુ. બેન-દીકરોની સુરક્ષા માટે તત્ત્વો જે ભાષામાં સમજે તે ભાષામાં જવાબ આપવો જોઈએ.

વધુમાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે આ મુદ્દાને રાજનીતિ સાથે જોડીને કોઈ સસ્તી રાજનીતિના સપના જોતું હોય તો આવા સપના ન જુએ. ગુજરાતમાં આવી રાજનીતિ અમારે નથી જોઈતી. અમારે એકતાવાળું સમૃદ્ધ ગુજરાત જોઈએ છે. ગુજરાતમાં તમામ ધર્મ અને સમાજોના લોકો સાથે રહે છે. પરંતુ આને કોઈ રાજનીતિ સાથે જોડતું હોય તો તે ના જોડે. મર્દાનગીથી બોલવું તે મારો સ્વભાવ છે. નમાલી રાજનીતિ કરતા મને નથી આવડતું. જે લોકો આ મુદ્દે રાજનીતિ કરતા હોય તેમને પણ હું કહું છું કે તેઓ આ મુદ્દે રાજનીતિ ન કરે અને એક પંચ પર આવીને તમામ નેતાઓએ એક વાત કરવી જોઈએ તે ગુજરાતની જનતાને ગમશે.

error: Content is protected !!