અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી પહેલાં પત્ની અને હવે પતિનો આપઘાત, એકનો એક દીકરો નોધારો બન્યો
અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા વેપારીએ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ચોંકાવનારી બાબતે છે કે વેપારી કોરોના દરમિયાન પોતાનું વેપાર ન ચાલતા તેને રૂપિયાની જરૂર પડી હતી. જેથી તેણે 4 ટકા વ્યાજે 10 લાખ રૂપિયા લીધા હતા જે રૂપિયા ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરો તેને સતત પરેશાન કરતા હતા. જેના કારણે પહેલા વેપારીની પત્નીએ આત્મહત્યા કરી અને થોડા સમય બાદ વેપારીએ પણ આત્મહત્યા કરી લીધી છે. જેથી એકનો એક પુત્ર નોંધારો થઈ ગયો છે. આ સમગ્ર બનાવવા અંગે પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૃતક મિનરલ વોટરનો ધંધો કરતો હતો
વેપારીની માતાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તે મારો દીકરો નિકુંજ પંચાલ શિવ શક્તી મિનરલ વોટર નામની ડિસ્ટ્રીબ્યુટરશીપ ધરાવી મિનરલ વોટરનો વેપાર ધંધો કરે છે. મારા દીકરા નિકુંજના પહેલા લગ્ન 2009માં અંકીતા સતિષભાઇ પટેલ સાથે થયા હતા. આ લગ્ન જીવનથી નિકુંજને એક પુત્ર છે. ત્યારબાદ 2016માં નિકુંજ અને અંકીતાના છૂટાછેડા થઇ જતા નિકુંજે શ્વેતા પંચાલ સાથે બીજા લગ્ન કર્યા હતા. આ શ્વેતાના પહેલા લગ્ન મારા ભાઇના પુત્ર જગદીશ બાબુભાઇ પંચાલ સાથે થયેલા અને આ લગ્ન જીવનથી શ્વેતાને બે દીકરીઓ હતી. પરંતુ શ્વેતાને તેના પતિ સાથે અવારનવાર બોલાચાલી ઝઘડા થતા હોય આજથી પાંચેક વર્ષ પહેલા તેઓએ છૂટાછેડા લઇ લીધેલ અને શ્વેતાની બન્ને દીકરીઓને મારા ભત્રીજા જગદીશ પંચાલે પોતાની પાસે રાખી હતી. ત્યારબાદથી હું અને મારો પુત્ર નિકુંજ અને તેની પત્ની શ્વેતા અને મારો પૌત્ર ક્રેનીલ સાથે છેલ્લા પાંચેક વર્ષથી રહેતા હતા.
ધંધા માટે રૂપિયા 10 લાખ 4 ટકાના વ્યાજે લીધા
આજથી આશરે પાંચેક વર્ષ પહેલા નિકુંજને તેના મિત્ર અનુપ પ્રહલાદભાઇ પટેલ પાસેથી ધંધાના 15 લાખ રૂપિયા લેવાના નીકળતા હતા. જે નાણા પરત લેવા માટે નિકુંજ અવારનવાર અનુપ પટેલ પાસે ઉઘરાણી કરતો હતો, તેમ છતા અનુપ પટેલ નિકુંજને રૂપિયા પરત આપતો ન હતો. કોરોનાના કારણે ધંધો પણ મંદો પડી ગયો હોય ઘર ખર્ચ અને ધંધા માટે નિકુંજે ન્યુ રાણીપ ખાતે રહેતા રાકેશ વિનોદભાઇ નાયક પાસેથી રૂપિયા 10 લાખ 4 ટકાના વ્યાજે લીધા હતા. તે પેટે કોરા ચેક અને પ્રોમિસરી નોટ અને કરાર આપ્યો હતો.
વેપારીને પત્નીને પણ ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતો
નિકુંજ રાકેશ નાયકને સમયસર વ્યાજ અને રકમ ચુકવતો હતો અને તેણે રૂપિયા 10 લાખ વ્યાજ સહીત ચુકવી દીધા હતા, તેમ છતા રાકેશ નિકુંજ પાસે વ્યાજનું વ્યાજ ચુકવવા માટે અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરતો હતો. આ સાથે પ્રોમિસરી નોટ અને ચેક પરત નહી આપી મન ફાવે તેવી રકમ ચેકમાં ભરી ચેક વટાવી ચેક બાઉન્સ થયેથી 138 મુજબના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતો હતો. અવારનવાર ઘરે આવી નિકુંજની પત્ની શ્વેતા પાસે પણ રૂપિયાની ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતો હતો.
પઠાણી ઉઘરાણીથી દંપતી કંટાળ્યું હતું
નિકુંજ જણાવતો હતો કે અનુપ પટેલ આપણને રૂપિયા 15 લાખ આપી દે તો આપણે તેમાંથી રૂપિયા 8 લાખ રાકેશ નાયકને વ્યાજના વ્યાજ પેટે આપી દઇ આ વ્યાજની ઝંઝાળ અને પઠાણી ઉઘરાણીમાંથી મુકત થઇ જઇએ તેમ કહેતો હતો, પરંતુ અવારનવાર અનુપ પટેલ પાસે ઉઘરાણી કરવા છતા તે રૂપિયા 15 લાખ આપતો ન હોય અને બીજી બાજુ આ રાકેશ નાયક અને તેનો ભાગીદાર દેવાંગ સથવારા પઠાણી ઉઘરાણી કરી નિકુંજ અને તેની પત્ની શ્વેતાને હેરાન પરેશાન કરતો હતો.
2 જૂને પત્નીએ આપઘાત કર્યો
દેવાથી કંટાળી જઇ નિકુંદની પત્ની શ્વેતાએ ગત 2 જૂન રોજ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. શ્વેતાના મૃત્યુ બાદ પણ રાકેશ નાયક નિકુંજ પાસે રૂપિયા 8 લાખ વ્યાજ પેટેની ઉઘરાણી કરતો હતો. આજથી થોડા દિવસ પહેલા રાકેશ નાયકના ધંધાના ભાગીદાર દેવાંગભાઇ સથવારાએ સોસાયટીની બહાર ઉભા રહીને નિકુંજને 8 લાખ રૂપિયા રાકેશ નાયકને આપી દેવા ધાક ધમકી આપી હતી. આ સાથે જણાવેલ કે તારે રૂપિયા 8 લાખ રાકેશ નાયકને આપવા જ પડશે નહીં તો તારા ઘરનાને તકલીફ પડશે અને રાકેશ નાયક તારા છોકરાને નુકસાન પહોંચાડી શકે છે, તેમ ધમકી આપી હતી. જેથી નિકુંજે ઘરે આવી માતાને જાણ કરી હતી.
ઘર પણ ચાલે એવી સ્થિતિ ન હોવાથી વેપારીનો પણ આપઘાત
નિકુંજનો ધંધો પણ પડી ભાગેલ હોય અને ઘર ચલાવવા પુરતી આવક પણ ન હોય કંટાળી ગયો હતો. આ સાથે અનુપ પટેલ રૂપિયા 15 લાખ પરત આપતો ન હચો. રાકેશ નાયક અને તેના ભાગીદારની પઠાણી ઉધરાણીના ત્રાસથી કંટાળી જઇ નિકુંજે ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. માતાએ અનુપ, રાકેશ અને દેવાંગ સામે ફરિયાદ નોંધવતા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.