અમદાવાદમાં મટકી ફોડનો કાર્યક્રમ માતમમાં ફેરવાયો, પઢીયાર પરિવારના કાન્હાનું કમકમાટી ભર્યું મોત
આખા દેશમાં અનેક જગ્યાએ જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી હતી, અનેક જગ્યાએ મટકી ફોડનો કાર્યક્રમ પણ રખાયો હતો. આ દરમિયાન અમદાવાદમાં એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. શહેરના દરિયાપુર વિસ્તારમાં શુક્રવારે રાત્રે દુઃખદ ઘટના બની હતી. મટકી ફોડ કાર્યક્રમમાં દીવાલનો ભાગ અને ચબૂતરો તૂટી પડતા એક માસૂમ સગીરનું મટકી ફોડવા જતા મૃત્યું થયું હતું. જન્માષ્ટમીના દિવસે જ પરિવારે પોતાનો કનૈયા ગુમાવી બેસતા સમગ્ર પોળમાં શોકની લાગણી છવાઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર દરિયાપુરમાં આવેલી હનુમાન પોળની લાલાની પોળમાં જન્માષ્ટમીની રાત્રીએ મટકી ફોડનો કાર્યક્રમ રખાયો હતો. પોળના તમામ યુવાનો અને બાળકો ભેગા થઈ હર્ષોલ્લાસ સાથે મટકી ફોડવાના હતા. હજુ 12 વાગ્યા હતા અને મટકી ફોડાઈ રહી હતી ત્યારે જ અચાનક એવી ઘટના બની કે પોળમાં હાહાકાર મચી ગયો હતો.
અચાનક જ અહીં આવેલો ચબૂતરો તૂટી ગયો હતો અને તેના લીધે મટકી જે ચબૂતરા પર બાંધી હતી તે રસ્સી પણ તૂટી ગઈ. અહીં હાજર યુવાનોમાંથી 15 વર્ષનો દેવ અરવિંદ પઢીયાર જમીન પર પટકાયો હતો અને ઘટના સ્થળે જ તેનું દુઃખદ મૃત્યુ થયું હતું.
15 વર્ષીય દેવ પઢીયારના પિતા અરવિંદભાઈ સિલાઈ કામ કરે છે. દેવ ભણવામાં ખૂબ હોશિયાર હતો અને પોળના બાળકોનો ખાસ મિત્ર હતો. આથી મટકી પણ તે જ ફોડશે તેવું આયોજન થયું હતું. જોકે, યોગ્ય આયોજન ન થતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. દુર્ઘટનમાં દેવ પઢીયારનું કરુણ મોત થયું છે. દુર્ઘટનામાં દેવના ભાઈને પણ ઇજાઓ થઈ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.
આ ઘટનામાં બેથી ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનાને લઈને દરિયાપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બનાવ બાદ પોળમાં તમામ લોકો શોકમગ્ન બન્યા છે. કારણ કે હસતો રમતો અને બોલકણા સ્વભાવના 15 વર્ષીય કિશોરનું તહેવારમાં જ મૃત્યુ થયું છે. પુત્ર ગુમાવનાર માતાપિતા અને ભાઈ ગુમાવનાર નાનોભાઈ પણ શોકમગ્ન છે.