ભાઈના ઘરેથી પરત ફરતું હતું દંપતી, ટ્રક કાળ બનીને ત્રાટક્યો, બહેનનું પ્રાણ પંખેરું ઉડી ગયું, ધ્રુજાવી દેતો બનાવ
એક હ્રદય કંપાવી દેતી ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના હાટકેશ્વર પાસે સ્કૂટર પર પસાર થતા દંપતી પર ટ્રક ફરી વળ્યો છે. ભાઈની ઘરે જમીને એક મહિલા પતિ સાથે એક્ટિવાની પાછલી સીટમાં બેસીને જઈ રહ્યા હતા. એવામા મહિલાના માથા પર ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. આ ઘટનાના સીસીટીવી એટલા ભયંકર છે કે જેને જોઈને ભલભલા વિચલિત થઇ જાય. આ બનાવ અંગે હાલ પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યાં છે.
માથું છુંદાવાથી મહિલાનું ઘટનાસ્થળે જ મોત
અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે મોડી રાત્રે એક અકસ્માત થયો હતો. જેમાં સુશીલા બહેન નામની 30 વર્ષીય મહિલાનું ટ્રકનું ટાયર ફરી વળતા માથું છુંદાવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે એક્ટિવા ચાલકને ઈજા પહોંચી હતી.
ટ્રકને એક્ટિવા અડ્યું ને મહિલા ગબડી
આ અંગે વિસ્તાર પૂર્વક વાત કરીએ તો મહિલા તેમના પતિ સાથે ભાઈના ઘરે જમીને વસ્ત્રાલ ખાતેના મકાને સુવા માટે જઈ રહ્યાં હતા.આ દરમિયાન એક્ટિવા પરથી જ્યારે પતિ પત્ની પસાર થતા હતા ત્યારે સામેથી ટ્રક આવતો હતો. આ ટ્રકે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને અડફેટે લીધું હતું. ત્યાર બાદ પાછળ બેઠેલી મહિલા એક્ટિવાથી નીચે ગબડે છે અને તેના પર ટ્રકના ટાયર ફરી વળે છે.
ટ્રક ચાલક કાર ચાલકને પણ ટક્કર મારીને આવ્યો હતો
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રક ચાલક આગળ પણ એક કાર ચાલકને ટક્કર મારીને આવ્યો હતો અને બાદમાં વધુ એક અકસ્માત કર્યો હતો. હાલ આરોપી ટ્રક ચાલક ફરાર છે. જેને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે. આટલી મોટી બેદરકારી હોવા છતાં પોલીસે માત્ર 304-એ મુજબ હળવી કલમનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.