હિટ એન્ડ રન:અમદાવાદમાં મોડી રાત્રે બે કારની રેસમાં એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી, મહિલાનું મોત, 4 લોકો ગંભીર

અમદાવાદઃ અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી હતી, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત બાદ કારચાલક સહિત અન્ય 4 લોકો પણ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં અકસ્માત કરનારાને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો
બાબુભાઇ, જેતન (બાળક), સુરેખા (બાળક), વિક્રમ (બાળક)

જમવાનું બનાવતી મહિલાને મોત મળ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા બીમાનગર નજીક ફૂટપાથ પર સોમવારે મોડી રાત્રે લોકો સૂઈ રહ્યા હતા. વરસાદથી બચવા પ્રયાસ કરી રહેલાઓને જરા પણ ખબર ન હતી કે તેમની સાથે થોડીવારમાં શું બનવા જઇ રહ્યું છે. મોડી રાત્રે કાળ બનીને આવેલી i20 કાર આ લોકો પર ફરી વળી હતી. માસૂમ લોકો હાલ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. અન્ય લોકો માટે જમવાનું બનાવી રહેલી સંતુબેન નામની એક મહિલાને કારે કચડી મારતાં તેમનું મોત નીપજ્યું છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો
સૂત્રોનું માનીએ તો કારમાં એ સમયે ચાર લોકો બેઠા હતા, જ્યારે બીજી એક કાર પણ ત્યાંથી પસાર થઇ રહી હતી. એવું જાણવા મળ્યું છે કે બંને કાર વચ્ચે રેસ લાગી હતી. એ સમય એક કાર ફૂટપાથ પર ફરી વળી અને ત્યાં સૂતેલા લોકો હાલ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. સમગ્ર બનાવમાં મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો બનાવના સ્થળે પહોંચી ગયો હતો. આ બનાવમાં સામેલ માલેતુજાર કોણ હતા તેમને શોધવા પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.

error: Content is protected !!