મળો, સોરઠના અસલી સાવજને, હિરેનની રિયલ લાઈફ સ્ટોરી વાંચીને આંખો ભીની થઈ જશે, આવું તો કોઈની સાથે ન થાય

મારી પોલીસ વિભાગમાં જોડાવવાની ખૂબ ઈચ્છા હતી. એ માટે મેં વાંચનથી લઈને ફિઝિકલ પરીક્ષાની સંપૂર્ણ રીતે તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી, પરંતુ આ તૈયારી દરમિયાન મારા હાથમાં એક ઝેરી જીવડું કરડતાં હાથમાં ઝેર ફેલાઈ ગયું ને મારો એક હાથ કપાવવો પડ્યો. ત્યાર બાદ પણ ડૉકટરે 12 કલાકનો સમય આપ્યો હતો કે એનાથી વધુ હું જીવી શકીશ નહીં. એ સમયે 10 વાર સુસાઈડ કરવું પડે તોપણ એકવાર મૃત્યુ ના થાય એવા વિચારો સતત મગજમાં ફરતા હતા. આ શબ્દો છે અમદાવાદના હિરેનકુમાર ચોરવડિયાના, જેમના જીવનમાં મુશ્કેલી આવી છતાં હિંમત ન હારી. ત્યારે મિડીયા સાથે હિરેન ચોરવડિયાએ કરેલી વાતચીતને અમે અહીં શબ્દશ: રજૂ કરી રહ્યા છીએ.

હિરેન ચોરવડિયાએ મિડીયાને જણાવ્યું હતું કે આમ તો અમે મૂળ જૂનાગઢના છીએ, પરંતુ છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં રહીએ છે. મેં મારો બીબીએ ઈન ઈંગ્લિશમાં અભ્યાસ પૂર્ણ કર્યો એ પછી મને પોલીસ વિભાગમાં જોડાવવાની ખૂબ જ ઈચ્છા હતી, પરંતુ મારા જીવનનાં 20 વર્ષમાં ન બની હોય તેવી ઘટના બની ને મારું સપનું પણ ઘડીના છઠ્ઠા ભાગમાં ચકનાચૂર થઈ ગયું.

હાથ કાપ્યા પછી પણ માત્ર 12 કલાકનું જ આયુષ્ય હતું
25 ફેબ્રુઆરી 2020ના દિવસે જ્યારે હું ગ્રાઉન્ડ પર તૈયારીઓ કરી રહ્યો હતો એ સમયે મારા હાથમાં ઝેરી જીવડું કરડી ગયું હતું. જોતજોતાંમાં એનું ઝેર મારા આખા શરીરમાં ફેલાઈ ગયું હતું. એ પછી મને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો, જ્યાં મારો એક હાથ કાપવો પડ્યો. એ પછી પણ ડૉકટરોએ કહ્યું હતું કે હિરેન પાસે માત્ર 12 કલાકનું જ આયુષ્ય બચ્યું છે અને હોસ્પિટલમાંથી મને રજા આપી દીધી, પરંતુ આ દરમિયાન મારા મિત્રો અને મારાં માતા-પિતાએ હિંમત ન હારી અને અનેક ડૉક્ટરોના સંપર્ક કર્યા તથા અંતે મારું જીવન બચી ગયું, છેલ્લે 18 માર્ચે મને હોસ્પિટલમાંથી રજા પણ મળી ગઈ. હજી હું અને મારો પરિવાર આ પીડામાંથી ઊભરી રહ્યા હતા એવામાં 22 માર્ચ 2020એ કોરોનાના કારણે લોકડાઉન થયું. આ દરમિયાન મારો પરિવાર આર્થિક રીતે તૂટી ગયો હતો.

આપઘાતના ગમે એટલા પ્રયત્નો કરું, આ દર્દમાંથી છુટકારો નહીં જ મળે એવા વિચારો આવતા
લગભગ બે મહિના પછી જ્યારે હોસ્પિટલમાંથી રજા મળી એ સમયે વિચાર્યું હતું કે મિત્રો સાથે હળી મળીશ તો મારું આ દુઃખ દૂર થઈ જશે, પરંતુ 3થી 4 દિવસમાં જ લોકડાઉનની જાહેરાત થઈ. આ સમય મારા માટે ખૂબ જ કષ્ટદાયક હતો. એ સમયે થતી પીડાઓ એટલી અપાર હતી કે જો હું દસ વખત પણ આપઘાત કરું તો એકપણ વાર ન મરું એવા વિચારો આવવા લાગ્યા હતા. એ સમયે મારા મિત્રોએ મને મોરલ સપોર્ટ પૂરો પાડ્યો હતો, જેના કારણે મેં હિંમત ન હારી.

માતા સહનશીલતાનું પ્રતીક, પિતા લાગણીનું પ્રતીક
હિરેનકુમાર ચોરવડિયા કહે છે, મારી માતા મારા માટે સહનશીલતાનું પ્રતીક છે, જ્યારે મારા પિતા મારા માટે લાગણીનું પ્રતીક છે. તેમણે માત્ર 19 વર્ષની ઉંમરે હીરા ઘસવાનું શરૂ કર્યું હતું. તેમણે બોમ્બે, સુરત, નવસારી અને અમદાવાદમાં હીરા ઘસ્યા. આમ, મારાં માતા-પિતાએ બન્ને ભાઈ-બહેનને મોટાં કર્યાં. આમ, આ બન્ને વસ્તુ મારી સાથે છે, એટલે હું આજે પણ સકારાત્મકતા અનુભવું છું.

હવે નાયબ કલેકટર બનવાનું સપનું
હિરેન કહે છે, પોલીસમાં જવાનું સપનું તૂટી ગયું, એ પછી મેં લોકડાઉનના સમયગાળા દરમિયાન મોટિવેશનલ સ્ટોરીઓ વાંચી અને કેટલાક વીડિયો જોવાનું શરૂ કર્યું. એ પછી મિત્રો પાસેથી માર્ગદર્શન મળ્યું અને મેં સિવિલ સર્વિસીઝમાં જોડાવાનું નક્કી કર્યું અને જીપીએસસીની તૈયારીઓ શરૂ કરી હતી.

27 ઓગસ્ટે GPSCની મેઈન્સ પરીક્ષા આપશે
શરૂઆતમાં હું દિવસના 3થી 4 કલાક વાંચન કરતો હતો. એ પછી ધીમે ધીમે મેં મારા વાંચનમાં વધારો કર્યો અને 9થી 10 કલાક જેટલો સમય ફાળવ્યો તથા તેનું પરિણામ GPSCની પ્રીલિમ્સ પરીક્ષામાં મળ્યું. મેં એ પરીક્ષા પાસ કરી દીધી. એ બાદ આગામી 27 ઓગસ્ટે હું GPSCની મેઈન્સ પરીક્ષા આપીશ.

LGBTQ અને દિવ્યાંગો માટે કામ કરવાની ઈચ્છા
તે આગળ કહે છે, હાલમાં હું જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું અને મારો ગોલ નાયબ કલેક્ટર બનવાનો છે. આમ તો એ સેવામાં તમામ લોકો માટે સમાનતાપૂર્વક કામ કરવાનું હોય છે, પરંતુ જો હું એ પદ પર પહોંચવાના મારા સપનાને સાકાર કરી શકીશ તો હું સ્પેશિયલ કેસમાં LGBTQ અને દિવ્યાંગો માટે કામ કરીશ.

ઘડિયાળના લોલકમાંથી શીખ લેવી જોઈએ
નાની નાની વાતમાં નાસીપાસ થતા યુવાનો માટે તે જણાવે છે, જ્યારે પણ આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ઘડિયાળને જોવી જોઈએ, કારણ કે એનું લોલક ફરે છે, એટલે સમય બદલાય છે. એવી જ રીતે આપણા જીવનમાં પણ જો દુઃખ આવે છે તો સુખ આવશે, પરંતુ આ દરમિયાન કોઈપણ ખોટું પગલું ન ભરવું જોઈએ.

ચિત્રો બનાવવાનો અને સાઈકલ રાઇડનો શોખ
હિરેન પોતાના શોખ વિશે કહે છે, આમ તો મને ચિત્રો દોરવા, બાઈક રાઈડ અને સાઈકલ રાઈડની સાથે સાથે કબડ્ડી રમવી ખૂબ ગમે છે, પરંતુ મારો એક હાથ ન હોવાને કારણે હવે ક્યારેક ક્યારેક હું ચિત્રો બનાવું છું, ફ્લાવરની રંગોળી કરું છું અને બહું ઈચ્છા થાય ત્યારે મિત્રો સાથે સાઈકલ રાઈડ પણ કરું છું.

error: Content is protected !!