રાજકોટમાં ધોળા દિવસે ખેલાયો ખુની ખેલ..! વાડીમાં ઘૂસવા મામલે વકીલે ગનમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરી યુવકની હત્યા…

રાજકોટ નજીક ગઇકાલે મનહરપુરમાં રહેતા યુવક પર તેના ઘરની નજીક રૈયાધારમાં આવેલી વાડીમાં વાડીમાલિક પિતા-પુત્રએ ફાયરિંગ કરી હત્યાની કોશિશ કરતા ચકચાર મચી ગઇ હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, એડવોકેટની વાડીમાં પાણી ભરવા માટે યુવક તથા તેના પરિવારના સભ્યો અવારનવાર વાડીમાં ઘૂસતા હોય તે બાબતે ફરીથી બોલાચાલી થતાં મામલો ફાયરિંગ સુધી પહોંચ્યો હતો. એડવોકેટે બે રાઉન્ડ ફાયર કર્યા હતા. જેમાં યુવકને હાથના ભાગે ગોળી વાગતા લોહીલુહાણ બન્યો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપી વકીલ પિતા અને પુત્રની ધરપકડ કરાઇ છે.

મનહરપુરમાં રહેતો ડાયા હેમાભાઇ ચાવડિયા, તેની પત્ની અને તેનો ભાણેજ રવિવારે બપોરે 4 વાગ્યે રૈયાધારમાં હોલી ડે સ્કૂલ પાછળ આવેલી વાડીએ પાણી ભરવા માટે ગયા હતા, પાણી ભરવા માટે અવારનવાર આવતા ડાયાને વાડીના ચોકીદારે અટકાવ્યા હતા, પરંતુ ડાયા ચાવડિયાએ તેની સાથે ઝઘડો કરી વાડીમાં ઘૂસી ગયો હતો, ચોકીદારે આ અંગે વાડીમાલિક કાલાવડ રોડ પરના ઘનશ્યામનગરમાં રહેતા એડવોકેટ ઓમકાર માકડિયાને જાણ કરતાં એડવોકેટ ઓમકાર માકડિયા અને તેનો પુત્ર ત્રિદેવ માકડિયા કાર લઇને વાડીએ પહોંચ્યા હતા, પિતા-પુત્ર પોતાના ઘરેથી 12 બોરની ગન લઇને વાડીએ ધસી ગયા હતા.

ડાયા ચાવડિયા સાથે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા એડવોકેટ ઓમકાર માકડિયાએ ગનમાંથી બે રાઉન્ડ ફાયર કરતા ડાયા ચાવડિયા લોહિયાળ હાલતમાં ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે હોબાળો મચી ગયો હતો. ફાયરિંગ કરી ઓમકાર માકડિયા અને તેનો એડવોકેટ પુત્ર ત્રિદેવ માકડિયા કારમાં નાસી ગયા હતા. ફાયરિંગમાં ઘવાયેલા ડાયા ચાવડિયાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. ક્રાઇમ બ્રાંચના પીઆઇ ધોળા સહિતની ટીમે આરોપી એડવોકેટ પિતા-પુત્રને ઝડપી લઇ યુનિવર્સિટી પોલીસ હવાલે કર્યા હતા.

પોલીસે ઓમકાર માકડિયા અને તેના પુત્ર ત્રિદેવ માકડિયા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, એડવોકેટ ઓમકાર માકડિયાની વાડીમાં નર્મદાની લાઇનનો સમ્પ આવેલો છે તે સમ્પનો વાલ્વ લીકેજ થતો હોય ત્યાં પાણી ઢોળાતું હોવાથી ડાયા ચાવડિયા અને તેના પરિવારના સભ્યો અવારનવાર વાડીમાં પાણી ભરવા જતા હતા, જે બાબતે ચોકીદાર રોકતો હોવા છતાં ડાયા ચાવડિયા બળજબરી કરતો હતો અને અગાઉ આ મુદ્દે બોલાચાલી પણ થઇ હતી, રવિવારે ફરીથી મામલો ઉછળ્યો હતો અને ઓમકાર માકડિયાએ પોતાના પરવાના વાળી ગનમાંથી ભડાકા કર્યા હતા.

error: Content is protected !!