આદિવાસીનો દીકરો બન્યો ડેપ્યુટી કલેકટર, GPSCમાં માત્ર 4 માકર્સ માટે રહી ગયેલા યુવકે હિમત ન હારી, નિષ્ફળતા બાદ મેળવી સફળતા

વાપીઃ વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારના યુવાનો જીપીએસસીમાં વર્ગ 1,2ની પરીક્ષામાં ઝળકી રહ્યાં છે. ત્યારે કપરાડાના અંભેટી ગામના યુવાનને અગાઉ માત્ર 4 માકર્સને કારણે જીપીએસસીની પરીક્ષામાં સફળતા મળી ન હતી, પરંતુ તેમણે મંઝિલ સુધી પહોંચવા અથાગ મહેનત ચાલુ રાખી હતી. તાજેતરમાં જાહેર થયેલા પરિણામામાં આ યુવાનને સફળતા મળતાં ડેપ્યુટી કલેકટર સુધીની સફર પૂર્ણ કરી છે. આ કિસ્સો આદિવાસી વિસ્તારના યુવાનો માટે પ્રેરણાંદાયક છે.

કોલેજકાળમાં લોન લઈને ભણવાની ફરજ પડી હતી
અંભેટીના ગજેન્દ્રકુમાર અરવિંદભાઇ પટેલે શરૂઆતનું પ્રાથમિક શિક્ષણ 1 થી 6 ધોરણ અંભેટી બાંગિયા પ્રાથમિક શાળામાં તથા 8 થી 12 ગોંડલ ખાતે અભ્યાસ (10માં 92.40 ટકા , 12 સાયન્સ માં 84 ટકા ) કર્યો હતો. ત્યારબાદ ઇલેક્ટ્રિકલ એન્જિનીયરિંગ SVNIT સૂરત ખાતે ડિસ્ટ્રીકશન સાથે ઉર્તિણી થયા હતાં. કોલેજકાળમાં શૈક્ષણિક લોન લઇને અભ્યાસ કરવાની ફરજ પડી હતી. તેમણે ક્લાસ વન અધિકારી તરીકે જીપીએસસીની પરીક્ષા પૂર્ણ કરવાની દઢ ઇચ્છા સાથે પરીક્ષાની તૈયારી કરી હતી, પરંતુ ગત જીપીએસસી વર્ગ 1,2ની પરીક્ષામાં 4 માર્કસના કારણે નિષ્ફળતા મળી હતી.

પરિવારનો સાથ-સહકાર ખૂબ મળ્યો
કપરાડાના યુવાને આ ઉર્જા ને હકારાત્મક દિશા આપી અને ગયા પરિણામને ધ્યાનમાં રાખ્યા વગર મેહનત ચાલુ રાખી હતી. તાજેતરમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 1 સપ્ટેમ્બરે જાહેર થયેલા પરિણામાં અંભેટીના યુવાનનો કુલ 120માંથી 107મો રેન્ક આવ્યો હતો. જયારે એસટી કેગેટરીમાં ત્રીજા ક્રમે રહ્યો હતો. દિવ્ય ભાસ્કર સાથેની વાત-ચીતમાં ગજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મારા નાના નાનીથી લઈને મમ્મી ,પપ્પા અને ભાઈ બહેનો તથા મિત્રો એ ખુબ જ સહકાર આપ્યો છે. તેમાં પણ વિશેષ કરીને મોટા ભાઈ રીપલે ખુબ જ સહકાર આપ્યો છે. જેના પરિણામસર હું આજે આ મુકામે પહોચ્યો છું.

ક્ષમતા એ વ્યક્તિની ગુલામ છે, મહેનત ચાલુ રાખો
વધુમાં અંભેટીમા યુવાનના પિતા નિવૃત શિક્ષક છે. જયારે માતા ગૃહિણી છે. ગજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ક્ષમતા એ વ્યક્તિ જાતે નિશ્ચિત કરે છે આથી વ્યક્તિ એ ક્ષમતાનો ગુલામ નથી પરંતુ ક્ષમતાએ વ્યક્તિની ગુલામ છે. મેહનત ચાલુ રાખો અને પોતાના પર વિશ્વાસ રાખો. મંજિલ તમારી રાહ જોઈ જ રહી છે.બીજી તરફ કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ આદિવાસી યુવાનો જીપીએસી પરીક્ષામાં સફળ થાય તે માટે સ્થાનિક લેવલે કલાસો શરૂ થાય તે દિશામાં કામગીરી આરંભી છે. – ગજેન્દ્ર પટેલ

error: Content is protected !!