લક્ઝૂરિયસ લાઈફસ્ટાઈલ અને કરોડોની સંપતિ છોડી 75 દીક્ષાર્થીઓનું સંયમના માર્ગે પ્રયાણ

સુરતઃ સુરત શહેર આજે એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. વેસુ વિસ્તારમાં બનાવવામાં આવેલી આધ્યાત્મ નગરીમાં એક સાથે મહિલા, પુરુષો અને બાળકો મળીને કુલ 75 મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. છેલ્લા પાંચ દિવસથી ચાલતા દીક્ષા મહોત્સવની લાખો લોકોએ મુલાકાત લીધી છે. દીક્ષા લેવાના કાર્યક્રમને લઇને જૈન ધર્મમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી પણ સુરત આવીને તમામને શુભેચ્છા પાઠવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ દીક્ષા મહોત્સવમાં 14 કરોડપતિ, 8 આખા પરિવાર સહિત ઉચ્ચ અભ્યાસ કરનાર સંયમના માર્ગે નીકળ્યા છે.

આજના દીક્ષા મહોત્સવની ચાર દિવસથી દીક્ષાની ઘડીનો આતુરતાથી રાહ જોવાઈ રહ્યો હતો. મળસ્કે 4.41 મિનિટે ગુરુ ભગવંતો અને મુમુક્ષુ દીક્ષા મંડપમાં પ્રવેશ્યા હતા. સંયમના માર્ગ પર આગળ વધેલા મુમુક્ષુઓને આજે નવા નામકરણ અને વિધિ પણ પૂર્ણ થઈ હતી. કેશ લુંચનની વિધિ વખતે ખૂબ અવલોકી દ્રશ્યો જોવા મળ્યા હતા. હજારો લોકોએ આજના પ્રસંગે ઉપસ્થિત રહીને ઐતિહાસિક સ્થળોને જોઇ ધન્યતા અનુભવી હતી.

ગઈકાલે નીકળેલા વર્ષીદાન યાત્રાના દ્રશ્યો પણ અદભુત સર્જાયા હતા. મુમુક્ષોના ચહેરા ઉપરનું સ્મિત તમામને આકર્ષે એવું હતું. સંસારનો માર્ગ છોડીને સંયમના માર્ગે ઉપર આજે 75 જેટલા મુમુક્ષુઓએ પગલાં પાડતા તેમના સંતો મહંતોએ તેમને ખૂબ આશીર્વાદ આપ્યા હતા. જૈનાચાર્ય વિજય યોગ તિલકસુરેશ્ર્વરજીની વાણીનો પ્રભાવ એટલો હતો કે તમામ મુમુક્ષુઓ નતમસ્તક થઈને તેમના હાથે દીક્ષા લેવા માટે અધીરા થયા હતા. આખરે 75 મુમુક્ષુને દીક્ષા ગ્રહણ કરી લેતા કાર્યક્રમ સંપન્ન થયો હતો.

આ ઐતિહાસિક કાર્યક્રમમાં યોગતિલકસુરેશ્વરજી મહારાજના માર્ગદર્શનમાં આઠ આખા પરિવારે દીક્ષા લીધી છે. આયોજકે જણાવ્યું હતું કે, દીક્ષાર્થીઓમાંથી 14 કરોડપતિ છે અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાંથી આવે છે.

દીક્ષાર્થીઓ 7થી 70 વર્ષની ઉંમરના છે. કુલ 38 પુરુષો અને 37 મહિલાઓ દીક્ષા લીધી છે. આયોજકે જણાવ્યું હતું કે, આ કદાચ સૌથી મોટો દીક્ષા મહોત્સવ છે, જેમાં ઘણા દીક્ષાર્થીઓ જૈન સાધુ અને સાધ્વીઓ બન્યા છે. અગાઉના કાર્યક્રમમાં લગભગ 69 લોકોએ દીક્ષા લીધી હતી.

– મુંબઈના અને મૂળ ભાભરના ચીનુભાઈ 70 વર્ષે દીક્ષા લીધી છે. તેઓ વિશાળ પરિવાર તથા સંપત્તિના માલિક છે. 3 દીકરા, સ્થાવર-જંગમ મિલકતનો તમામ સ્વાર્થ-હક છોડી પ્રભુની વાણીથી, ગુરુયોગની વાણીથી વૈરાગી બની જૈફવયે સંસાર ત્યાગી દીધો છે.

-મુકેશભાઈ શાંતિલાલજી સંઘવી (આખો પરિવાર, મૂળ સાંચોરના, હાલ મુંબઈ વી.પી. રોડ પોશ એરિયામાં રહે છે) તેઓ 42 વર્ષની ઉંમરે આખા પરિવાર ધર્મપત્ની શિલ્પાબેન, એકના એક પુત્ર યુગ-18 વર્ષ તથા દીકરી કિયોશા કુમારી ઉ.14 સાથે દીક્ષા લીધી છે.

-મન સંજયભાઈ સંઘવી મૂળ સણવાલ અને હાલ સુરતમા રહે છે. તેઓ માત્ર 17 વર્ષની વયે વૈરાગ્ય લીધો છે. મન માટે તો એમ કહેવાય છે કે તે સંઘવી પરિવારના રજવાડાનો યુવરાજ છે. -ભવ્યકુમાર ભાવેશભાઈ ભંડારી અને વિશ્વાકુમારી ભાવેશભાઈ ભંડારી મૂળ હિંમતનગર તથા હાલ અમદાવાદમાં રહે છે. ભવ્ય પિતાની અઢળક સંપતિનો એકનો એક વારસ છે. ભવ્ય ફૂટબોલ તથા કબડ્ડીનો નેશનલ પ્લેયર છે.

– આંગી કુમારભાઈ કોઠારી મૂળ તેરવાડા, બનાસકાંઠાની આ દીકરી હાલ સુરતના એક્સેલેન્સીયા જેવા ટોપ એપાર્ટમેન્ટમાં રહે છે. દોમ દોમ સાહ્યબી તથા ફૂલની જેમ ઊછરેલી દીકરીએ દુનિયાના કહેવાતા એક પણ કષ્ટ સહન નથી કર્યા, પણ તેને ક્યાંય સુખ ન દેખાયું. જેથી સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે.

– અંકિતભાઈ પારસભાઈ ઓસવાલ અને રિનીકાબેન અંકિતભાઈ ઓસવાલ મૂળ જાલોર પાસે ગોહનના અને હાલ કર્ણાટક કરાડમાં રહેનારા આ દંપતી માત્ર 30-31 વર્ષના છે. કોઈ હીરો કે હીરોઈનને ઝાંખા પડે તેવું રૂપ-સૌંદર્ય. માત્ર 5 જ વર્ષનું લગ્નજીવન. વૈશાલીબેન મહેતા સુરતમાં રહે છે. માતા અઢળક સંપત્તિ ધરાવતા પરિવારના મોભી છે. પોતાની 3 દીકરીઓએ દીક્ષા લીધી છે.

– વિરેન્દ્રભાઈ પારેખ તથા ફાલ્ગુનીબેનના આખા પરિવારે દીક્ષા લીધા છે. મૂળ તળાજાના અને હાલ મુંબઈ રહેતા આ દંપતીએ પહેલા 2 દીકરીઓને દીક્ષા આપી અને હવે ઘરને તાળું મારી, તમામ સંપતિનું ધર્મમાર્ગે દાન કરી-ત્યાગ કરી સંસારની અસારતા સમજી દીક્ષા લીધી છે.

-રેખાબેન ધવલચંદ કાનુગો મૂળ સાંચોરના છે. અત્યારે મુંબઈના અતિ પોશ એરિયામાં રહે છે. રેખાબેન પોતે જ્વેલરી શો-રૂમના માલિક છે. પણ સાચું ઘરેણું તો સંયમજીવન છે તે વાત તેમને સમજાઈ ગઈ છે. જે દીકરીએ સંપત્તિ સિવાય કંઈ નથી જોયું તે સાચી આત્મસંપત્તિ મેળવવા નીકળી પડી છે.

– સૂઈગામના વતની અને હાલમાં સુરતમાં રહેતા વિપુલભાઈ મહેતા પોતાની ધર્મપત્ની સીમાબેન તથા બંને દીકરા પ્રિયેનકુમાર તથા રાજકુમાર સાથે આખા પરિવારે દીક્ષા લીધી છે. સીએ અમિષભાઈ દલાલ મૂળ ખંભાતના અને હાલ મુંબઈમાં રહે છે. સીએ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના બદલે સીએ એટલે ચારિત્ર અંગીકાર કરવા તેઓ નીકળ્યા છે.

error: Content is protected !!