પુત્રના લગ્નમાં અબોલ પશુ માટે જૈન પરિવારે જે કાર્ય કર્યું છે તે જાણીને કરશો સલામ
એક ખૂબજ સારા સમાચાર સામે આવ્યા છે. ચોટીલા શહેરના વેપારી જૈન પરિવારના મીનાબેન રાજેશભાઇ ખંધારના પુત્ર જયભાઇના લગ્ન પ્રસંગે શનિવારના ભોજન સમારોહ યોજાયેલો. જેમાં લગ્ન નિમિત્તે ચાંદલો લખવા કોઇ નિકટના સ્નેહી સબંધીને બદલે પાંજરાપોળની ટીમ પહોંચ બુક લઇને બેસેલી હતી. શનિવારે એક વેપારી પુત્રના લગ્ન પ્રસંગે ભોજન સમારંભમાં ચાદલો પાંજરાપોળની પહોંચ આપી નોધાયો અને 55555ની રકમ અબોલ પશુઓને અર્પણ થતા જીવદયા માટે અનુકરણીય પહેલ કરેલી છે
દરેકના નોંધાવેલા વ્યવહારની સામે પાંજરાપોળની દાનની પહોંચ આપવામાં આવી હતી. પ્રસંગે આવેલા સૌ સગા સબંધીઓને પરિવાર દ્વારા વિનંતિ કરતા બેનરો લગાવવામાં આવેલા. જેમાં જણાવેલું કે સંબંધના વ્યવહાર સાથે દાન ઉદાર હાથે આપી પુણ્ય કમાવવાનો લ્હાવો મેળવો.
અબોલ પશુઓ માટે પરિવારની અનુકંપા ભરી આ પહેલ અને જીવદયા પ્રેમ સમાજમાં પહોંચતા દરેક વર્ગના લોકો માટે અનુકરણીય ઉદાહરણ સમાન છે. પ્રસંગે ચાંદલો લખવાના વ્યવહાર સામે પાંજરાપોળની ટીમે પાંજરાપોળની પહોંચ આપી લગ્ન વ્યવહાર નોંધેલ હતો. જેમાં આવેલા રૂ. 55555ની રકમ પાંજરાપોળને અર્પણ કરાઇ હતી. પ્રસંગમાં આવેલા દરેક લોકોએ આ કાર્યને બિરદાવેલી તેમજ સરહાનિય કાર્ય માટે પ્રેરણાદાયી સમાન પહેલ બનેલી હતી.
દરેક લોકોએ અબોલ જીવોનું વિચારવું જોઈએ
પરિવારના સારા નરસા દરેક પ્રસંગોએ લોકો અબોલ પશુઓના નિભાવ ખર્ચ અંગે વિચારવું જોઈએ. ખંધાર પરિવારની જેમ લોકો અનુકરણ કરે તો ગામે ગામની પાંજરાપોળોને અબોલ જીવોના નિભાવ માટે મોટી મદદ મળી રહે.- પાંજરાપોળ પ્રમુખ, મુકેશભાઇ શાહ.
અમે પ્રસંગમાં ચાંદલો નથી લેતાં તો આ વ્યવહારને શુભકાર્ય તરફ લઇ ગયાનો આનંદ છે
અમે પ્રસંગોએ ચાંદલો નથી લેતા તો વ્યવહાર ઝંખતા દરેકને પુણ્યનો લાભ મળે તે માટે પરિવારના 4 ભાઇએ પ્રસંગ આયોજન સમયે આવું કરવાનો વિચાર કર્યો અને પાંજરાપોળ ટીમને ચાંદલારૂપે વ્યવહાર લખાવા અનુરોધ ને સૌએ વધાવ્યો. જેનો અમને અનહદ આનંદ છે. – વરરાજાના પિતરાઇ મોટાભાઇ,જિજ્ઞેશ ખંધાર.