હસતો-ખેલતો પરિવાર વિખેરાયોઃ એક જ ઘરના 5 લોકોએ કરી સામુહિક આત્મહત્યા
દિલ્હીને અડીને આવેલા હરિયાણાના પલવલ જિલ્લામાં બુધવારે સવારે એક જ ઘરમાંથી પાંચ મૃતદેહો મળી આવ્યા હતા. પરિવારના મોભી ફાંસી પર લટકતા મળી આવ્યા હતા જ્યારે તેની પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહ જમીન પર પડેલા હતા. પ્રાથમિક તપાસ મુજબ પરિવારના મોભીએ પત્ની અને બાળકોને ઝેર આપ્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પલવલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
આ ઘટના ઔરંગાબાદની છે. મૃતકોની ઓળખ 33 વર્ષીય નરેશ, તેની પત્ની 30 વર્ષીય આરતી, 7 વર્ષનો પુત્ર સંજય, 9 વર્ષ ની પુત્રી ભાવના અને 11 વર્ષની રવિતા તરીકે થઈ છે. સરપંચે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. સરપંચના જણાવ્યા મુજબ, બુધવારે સવારે મોડે સુધી નરેશના ઘરમાં કોઈ હલચલ જોવા મળી ન હતી. જ્યારે પાડોશીઓએ જઈને જોયું તો બધા ચોંકી ઉઠ્યા હતા.
પડોશીએ રૂમ ખોલીને જોયું તો નરેશનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો હતો. આરતી અને બાળકોના મૃતદેહ જમીન પર પડ્યા હતા. સરપંચે ઘટનાસ્થળે આ જોયું હતું જે તેણે પોલીસને જણાવ્યુ હતું. જાણકારી મળતા જ પલવલ શહેર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે પતિ અને પત્નીની વચ્ચે મંગળવારે રાત્રે જ કોઈ વાતને લઈને ઝઘડો થતાં ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપી એટલી હદે વધી ગઈ કે બંનેએ આત્મહત્યાનું પગલું ભર્યું. આ ઘટના બાબતે પોલીસ પાડોશીઓ અને સગા-સબંધીની પૂછપરછ કરી રહી છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરવા માટે પલવલ સિલિવ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
પ્રાપ્ત જાણકારી મુજબ, નરેશે 3 મહીના પહેલા જ ઉત્તરપ્રદેશના ઝાંસીમાં હોટલ ખોલી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે હોટલ શરૂ કરવા માટે તેણે દેવું કર્યું હતું. પરંતુ હોટલમાંથી તેણે કોઈ ખાસ લાભ થઈ રહ્યો ન હતો. છેલ્લા કેટલાક દિવસોથી તે ઘરે પણ આવ્યો ન હતો. ગઈ રાત્રે તે 10 વાગ્યા સુધી આસપાસ પડોશીઓની સાથે બેસીને વાતચીત કરી રહ્યો હતો.
નરેશ ઘણો જ મૈત્રીપૂર્ણ હતો. તે પોતાના પરિવારને પણ ખૂબ જ પ્રેમ કરતો હતો. હોટલ શરૂ કર્યા બાદ તે ઝાંસી ગયા બાદ પણ તે સમય કાઢીને પોતાની પત્ની અને બાળકો સાથે વિડીયો કોલ કરીને વાત કરતો હતો, પણ આ ઘટના પાછળનું શું કારણ હતું, જેના લીધે સમગ્ર પરિવાર પિંખાઈ ગયો, તે કોઈ નથી જાણતું.