જગન્નાથની જળયાત્રાઃ જમાલપુરના જગન્નાથ મંદિરે મહોત્સવ, સોમનાથ ભુદરના આરે જળયાત્રાની પૂજા શરૂ

અમદાવાદઃ કોરોના મહામારીને લઈ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાશે કે કેમ તેના પર હજી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. જોકે રથયાત્રા પહેલા આજે ગુરુવારે જળયાત્રા મહોત્સવ યોજાઇ રહ્યો છે. જમાલપુર જગન્નાથ મંદિરમાં જળયાત્રા મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. જળયાત્રા મંદિરેથી સાબરમતી જમાલપુર પાસે સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે પહોંચી છે. જ્યાં જળયાત્રાની પૂજા શરૂ થઈ ગઈ છે. પાંચ કળશ, પાંચ ધજામાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવશે અને તેનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ થોડીવારમાં પહોંચશે. જોકે મંદિરની પૂજામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીગ ચેરમેન , પક્ષના નેતા સહિતના એકપણ સત્તાધીશો પૂજામાં હાજર રહ્યાં નથી.

જળયાત્રામાં 50થી ઓછા લોકો હાજર
મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે રથયાત્રા પહેલા જેઠ મહિનાની પૂનમના દિવસે જળયાત્રા મહોત્સવ યોજાતો હોય છે. ગંગા નદીનું પાણી લાવી તેનાથી ભગવાનનો અભિષેક કરવામાં આવતો હોય છે. આવતીકાલે પૂનમના દિવસે 108 કળશમાં નદીનું પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવે છે. બાદમાં ભગવાનનો અભિષેક કરી ભગવાન ગજવેશ ધારણ કરે છે. બપોર બાદ ભગવાન મામાના ઘરે જશે. કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે 50થી ઓછા લોકો હાજર રહ્યા છે જેમાં માત્ર મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ જ જોડાયા હતા.

રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજી નિર્ણય લેવાયો નથી
જળયાત્રામાં 1 ગજરાજ, 5 ધજા અને 5 કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે. સાબરમતી નદી કિનારે સોમનાથ ભુદરના આરેથી કળશમાં પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવે છે. દર વર્ષે 108 કળશમાં પાણી ભરી વાજતે ગાજતે જળયાત્રા યોજાય છે પરંતુ કોરોના મહામારીના કારણે જળયાત્રા સાદાઈથી ઓછા લોકો અને ભક્તો વિના યોજાશે. મંદિરમાં જળયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભગવાનની 144મી રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજી નિર્ણય લેવાયો નથી.

error: Content is protected !!