આઘાતજનક અકસ્માત: રાજસ્થાનમાં માર્ગ પર 10 ગાયના મૃતદેહની હારમાળા સર્જાઈ, મોડીરાત્રે વાહને ટક્કર મારી હતી
રાજસ્થાનના કિશનગંજ વિસ્તાર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોઈ વાહન ચાલકે મોડી રાત્રે સર્જેલા અકસ્માતમાં ઓછામાં ઓછી દસ ગાયના મોત નિપડ્યા હતા. ધોરીમાર્ગ પર ગાયોના મૃતદેહોની એક લાંબી હારમાળાનું દ્રશ્ય હૃદય દ્રાવક હતું. કોઈ અપરિચીત વાહને એક પછી એક 10 ગાયોને ટક્કર મારી હતી. આ ઘટનાની જાણ થયા બાદ પોલીસ કર્મચારીઓની એક ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ક્રેનની મદદથી ગાયોના મૃતદેહને દૂર કર્યાં હતા. અલબત આ ગાયોના કોઈ માલિકો સામે આવ્યા નથી.
પોલીસ અધિકારી ઓમ પ્રકાશ વર્માએ જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે ભંવરગઢ ધોરી માર્ગ પર એક ખાનગી બસ પલટી ખાઈ ગઈ હોવાની માહિતી મળી હતી. જ્યાથી પરત ફરતી વખતે ડંડા વિસ્તારના મુખ્ય માર્ગ પર ગાયો સાથે સર્જાયેલી આ દુખદ ઘટના અંગે જાણ થઈ હતી. રાત્રીના સમયે કોઈ અજ્ઞાત વાહને ગાયોને ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં 10 ગાયોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. અન્ય એક ઈજાગ્રસ્ત વાછડાની પશુ હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે. માર્ગ પર ટ્રાફિક ન સર્જાય તે માટે ટોલ પ્લાઝાથી ક્રેન મંગાવી ગાયોના માર્ગ પરથી હટાવવામાં આવી હતી. આ ઘટનામાં કેસ દાખલ કરીને વ્યાપક શોધખોળ શરૂ કરવામાં આવી છે.